અંતે આસારામની ઈન્દોરમાંથી ધરપકડ
- રાત્રે ૧૨.૩૦એ જોધપુર પોલીસની ઇન્દોરમાં કાર્યવાહી, એક કલાક પૂછપરછ પછી ઇનોવા ગાડીમાં મોઢું ઢાંકીને લઇ ગયા
- પોલીસ ઈન્દોર આશ્રમ પર પહોંચી ત્યારે આસારામ 'અમૃત વચન’ સંભળાવી રહ્યા હતા
- આસારામના સમર્થકોનો જોધપુરમાં મીડિયા કર્મચારીઓ પર હુમલો, ચાર ઘવાયા, ૧૩ની ધરપકડ
સગીરા સાથે રેપના આરોપી આસારામ બાપુની શનિવારે મોડીરાત્રે ધરપકડ કરવામાં જોધપુર પોલીસને સફળતા મળી હતી. રાત્રે સાડા બાર કલાકે તેમને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર રાત તેમને એરપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. અહીંથી તેમને સવારે 7.50ની ફ્લાઈટમાં નવીદિલ્હી લઈ જવામાં આવ્યા હતા. અહીંથી તેમને જોધપુર લઈ જવામાં આવશે.
જોધપુરના આશ્રમમાં બહારથી આવતા આશ્રમવાસીઓને આશ્રમ ખાલી કરી દેવા જણાવાયું છે. જો તેઓ બપોર સુધીમાં આશ્રમ ખાલી નહીં કરે તો અહી 144 લાગૂ કરીને બળજબરીપૂર્વક ખાલી કરવામાં આવશે.
આ પહેલા થયો મોટો ડ્રામા
જોધપુર પોલીસે શનિવારે રાત્રે સાડા બાર વાગે દુષ્કર્મના આરોપી આસારામની ધરપકડ કરી છે. આસારામને જોધપુર લઇ જવામાં આવશે. આસારામને સડક માર્ગે લઇ જવાશે અથવા રવિવારે સવારે ફ્લાઇટથી લઇ જવાશે, તેના વિશે પોલીસે કોઇ ખુલાસો આપ્યો નથી. રાત્રે ૯ વાગે આશ્રમમાં આસારામનો સત્સગં ચાલુ હોવાથી પૂછપરછ કરવા માટે પોલીસને આશરે બે કલાક આસારામની રાહ જોવી પડી હતી. આસારામના પુત્ર નારાયણ સાંઇ, તેમના વકીલ સહિત બધા લોકો કહી રહ્યા હતા કે, જે કંઇ થશે, સવારે થશે. નારાયણ સાંઇએ રાત્રે ૯ વાગ્યાના સુમારે મીડિયાને કહ્યું હતું કે, આસારામ સંભળાવી રહ્યા છે. દસ વાગે તેઓ ઉંઘી જાય છે. અમે પોલીસને પૂછપરછ કરવા માટે સવારે આવવાનું કહ્યું છે.
તેમના વકીલે પણ કહ્યું કે, જે કંઇ થશે, સવારે થશે પરંતુ જોધપુર પોલીસે રાત્રે ૧૧ વાગ્યા પછી આસારામની પૂછપરછ કરી હતી. જો કે, આસારામે તેમાં પોલીસને કોઇ સહકાર આપ્યો ન હતો. ત્યાર પછી અડ્ધી રાત પછી આસારામની ધરપકડ કરીને પોલીસ તેમને મોઢું ઢાંકીને ઇનોવા ગાડીમાં બેસાડીને લઇ ગઇ છે. એ પહેલા આસારામના સમર્થકોએ ભારે હંગામો પણ કર્યો હતો. જોધપુર પોલીસે આસારામને ૩૦ ઓગસ્ટ સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.પરંતુ આસારામ ના પહોંચ્યા.
શનિવારે સવારે ફેક્સ કરી દીધો કે તેઓ બીમાર છે. સાથે જ ભોપાલ મેડિકલ કોલેજના તબીબોનો પત્ર પણ હતો કે આસારામ મુસાફરી કરવા કે પૂછપરછ કરવા ફિટ નથી. સાંજે અંદાજે સાત વાગે જોધપુરના ડીસીપી અજય લાંબાએ કહ્યું કે ઇન્દોરના તબીબોએ સાંજે આસારામની તપાસ કરી છે. તેઓ હવે ફિટ છે. સંતોષકારક જવાબ ના મળતાં તેમની ધરપકડ થઇ શકે છે.
દિવસભર સંતાકૂકડી રમાઈ
- ૯ : ૦૦ વાગે આસારામે ઇન્દૌર આશ્રમથી જોધપુર પોલીસને ફેક્સ કર્યો. ભોપાલ મેડિકલ કોલેજના ડોક્ટરોનો રિપોર્ટ મોકલ્યો. જેમાં તપાસ અને પ્રવાસ માટે અનફિટ દર્શાવ્યા.
- ૧૧: ૩૦ વાગે પોલીસ અધિકારીએ કહ્યું કે આસારામ ઇન્દૌરમાં નથી.
- સાંજે પ:૦૦ વાગે નારાયણ સાંઇએ કહ્યું કે આસારામ બીમાર છે. આશ્રમમાં આરામ કરી રહ્યા છે.
- સાંજે ૭:૦૦ વાગે જોધપુર પોલીસે કહ્યું કે પૂછપરછ પછી ધરપકડનો નિર્ણય થશે.
- રાતે ૮:૨પ વાગે આસારામે સત્સંગ શરૂ કર્યું
- રાતે ૯:૧પ વાગે જોધપુર પોલીસની ટીમ ઇન્દૌર આશ્રમમાં પહોંચી
- રાતના ૯:૪૦ વાગ્યા સુધી સત્સંગ કરતા રહ્યા આસારામ, પોતાના પર લાગેલા આરોપ અંગે સ્પષ્ટતા કરી.
- રાતના ૧૦:૧પ વાગ્યા પછી જોધપુર પોલીસે આસારામને કુટિરમાં જતા જોઇ રહી
- રાતના ૧૧ : ૦૦ વાગ્યા પછી જોધપુર પોલીસે આસારામની પૂછપરછ કરી.
- રાતના ૧૨:૦૦ વાગ્યા પછી પોલીસે આસારામની ધરપકડ કરી. જોધપુર જવા રવાના
